વન વિભાગની એડવાન્સ ટેક્નોલોજીથી દીપડાનાં હુમલાથી બચી શકાશે. જાણો વધુ વિગત…

દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલા સતત વધી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાત વન વિભાગે એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

માંગરોળના 8 વર્ષના નર દીપડાને જર્મન-એન્જિનિયર્ડ રેડિયો કોલરથી લગાવવામાં આવ્યું છે જે તેની એક્ટિવિટીને રિયલ ટાઈમમાં ટ્રેક કરી શકશે. દર અડધી કલાકે દીપડાના ગળાનો પટ્ટો સેટેલાઇટ દ્વારા વન વિભાગને દીપડાનું સ્થાન ટ્રાન્સમિટ કરશે. જો દીપડો કોઈ ગામની નજીક આવે છે, તો દક્ષિણ ગુજરાતના વન વિભાગના અધિકારીઓને તાત્કાલિક ખબર પડી જશે, એટલે તેઓ જેતે ગામડામાં રહેતા લોકોને તાત્કાલિક જણાવી દેશે કે, “તમારા ગામ પાસે દીપડો આવ્યો છે.”

દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલા આવા પહેલા પ્રોજેક્ટ વિશે બોલતા, ડીએફઓ આનંદ કુમારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, “આ સિસ્ટમ દીપડાની ગતિવિધિઓનું વાસ્તવિક સમયમાં નિરીક્ષણ કરવા માટે સેટેલાઇટ અને જીએસએમ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. તે અમને નજીકમાં દીપડો હોય તો ગ્રામજનોને ચેતવણી આપવાની મંજૂરી આપે છે.”

હાલમાં પ્રોજેક્ટ તેના શરૂઆતમાં છે. આ પ્રોજેક્ટ સુરતના 10 તાલુકાઓના 4 દીપડાની ગતિવિધિઓનું નિરીક્ષણ કરવા માટે દીપડાની ઈકોલોજી સમજવામાં મદદ કરશે. કાર્યક્ષમતા અને સલામતી બંને માટે રચાયેલ આ નવીન કોલરને દીપડાના ગળા પરથી એક બટન દબાવીને પણ દૂર કરી શકાય છે. જેથી દીપડાની એક્ટિવિટી સમજવામાં વન વિભાગને મદદ મળશે.

કેવી રીતે કામ કરશે ટેક્નોલોજી?

દીપડાના ગળા પર લાગેલા રેડિયો કોલરથી દીપડાના લોકેશનના ડેટા સેટેલાઈટ પર જશે અને ત્યાંથી દીપડાનું લોકેશન વન વિભાગના અધિકારીને ખબર પડશે. ગામડાના લોકોને દીપડાના હુમલાથી બચાવવા વન વિભાગ જે તે ગામના આગેવાનને ફોન કરીને જણાવી દેશે કે તેમના ગામ આસપાસ દીપડો દેખાયો હતો.

18 દિવસમાં દીપડાએ 150 કિ.મી.ની સફર કરી, તમામ ગતિવિધિઓ પર અભ્યાસ

દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વાર દીપડાને રેડિયો કોલર લગાડવામાં આવ્યું છે. 18 દિવસ પહેલાં આ રેડિયો કોલર દીપડાને લગાડવામાં આવ્યું હતું, જેના થકી સુરત વન વિભાગને જાણકારી મળી છે કે, દીપડાને જ્યાં પણ છોડવામાં આવે તે પોતાના હોમ રેન્જમાં પાછો આવી જાય છે. જે દીપડાને રેડિયો કોલર લગાડવામાં આવ્યું છે, તે 18 દિવસમાં 150 કિલોમીટર ચાલી અને ફરીથી પોતાની હોમ રેન્જમાં આવી ગયો છે. આ દરમિયાન તેણે બે વખત નદી પાર કરી અને ઉકાઈ ડેમ નજીકથી પણ પસાર થયો છે.

દીપડાને બેહોશ કરી રેડિયો કોલર લગાવાયું

સુરત જિલ્લામાં લગભગ 104થી પણ વધુ દીપડાઓ છે. માણસ અને દીપડાઓ વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો રહે છે. શહેરી વિસ્તારમાં પણ દીપડો દસ્તક આપી ચૂક્યો છે, તેથી તેની મૂવમેન્ટ પર નજર રાખવા માટે દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર એક દીપડાના ગળામાં રેડિયો કોલર લગાડવામાં આવ્યું છે. પહેલા તેને બેહોશ કરી અને ત્યાર પછી આ રેડિયો કોલર લગાડવામાં આવ્યું. ત્યાર પછી તેને માંડવીથી 50 કિલોમીટર દૂર ઉમરપાડા વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.

18 દિવસથી સતત દીપડા પર નજર

સ્થાનિક લોકો માને છે કે, દીપડાને દૂર છોડવામાં આવે તો તે પરત આવતા નથી. આ દીપડાને લગાડવામાં આવેલા રેડિયો કોલરના માધ્યમથી સુરત વન વિભાગ રિસર્ચ પણ કરી રહ્યું છે. બે જાન્યુઆરીના રોજ આ દીપડાને રેડિયો કોલર લગાડવામાં આવ્યું હતું. 18 દિવસથી સતત તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે. જ્યાંથી આ દીપડો પકડાયો હતો, ત્યાંથી 50 કિલોમીટર દૂર તેને છોડવામાં આવ્યો હતો.

દીપડાએ બે વખત તાપી નદી પણ પાર કરી

રેડિયો કોલરની મદદથી સેટેલાઇટ ઈમેજ મારફતે તેની પળપળની વિગતો મોબાઈલ પર વન વિભાગના અધિકારીઓ મેળવી રહ્યા છે. આ દરમિયાન ચોંકાવનારા તથ્ય વન વિભાગને જાણવા મળ્યા છે. રિસર્ચ દરમિયાન વન વિભાગને જાણકારી મળી છે કે, જ્યારથી દીપડાને રેડિયો કોલર લગાવીને છોડવામાં આવ્યો છે, ત્યારથી અત્યાર સુધી તે 150 કિલોમીટર દૂર સફર કરી ચૂક્યો છે. એટલું જ નહીં, બે વખત તાપી નદી પણ પાર કરી છે.

ઉમરપાડાથી તે તાપી જિલ્લામાં પ્રવેશ કરે છે. તાપી જિલ્લાના સોનગઢથી ઉકાઈ ડેમ નજીકથી તે પસાર થાય છે. ગામમાં મુરઘીઓનો શિકાર કરે છે. માંડવીથી તેને ઉમરપાડા છોડવામાં આવ્યો હતો, પરંતુ તે તાપી જિલ્લામાં પ્રવેશ કરીને ફરી સુરત જિલ્લામાં પ્રવેશ કરી માંડવી સુધી પહોંચી ગયો છે.

રેડિયો કોલરથી મળશે દીપડાની દરેક ગતિવિધિની માહિતી

આ મામલે ડીસીએફ આનંદ કુમારે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં માણસ અને દીપડા વચ્ચે અવારનવાર થતો સંઘર્ષ ગૌણ સમસ્યા બની રહી છે. આ સંજોગોમાં બંને વચ્ચે સંઘર્ષને કેવી રીતે ઘટાડવામાં આવે તે અંગે સંશોધન શરૂ કરાયું છે. સુરત વન વિભાગે આ સમસ્યાને સમજવા માટે દીપડાની દરેક ગતિવિધિ પર અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે. આ અભ્યાસના ભાગરૂપે નવા વર્ષની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વાર એક દીપડાને રેડિયો કોલર ફિટ કરાયું છે.

સેટેલાઈટથી દર અડધા કલાકે લાઇવ લોકેશન મોબાઈલમાં મળશે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ રેડિયો કોલર દીપડાની દરેક ગતિવિધિ પર નજર રાખશે. સેટેલાઈટ દ્વારા દર અડધા કલાકે લાઇવ લોકેશન વન વિભાગના અધિકારીઓના મોબાઈલમાં પહોંચશે. એક વર્ષ સુધી ચાલનારા આ અભ્યાસથી દીપડાના દૈનિક અને રાત્રીના વ્યવહાર વિશે માહિતી એકત્રિત કરવામાં આવશે. તેમાં ખોરાક, પાણી પીવાનો સમય, દીપડાનું દૈનિક પ્રવાસ અને આચરણની વિગત નોંધાશે. જેમ કે, જો દીપડાને વસ્તીવાળા વિસ્તારમાં પ્રવેશ કરતો જોવા મળે, તો સમયસર સ્થાનિક લોકોને ચેતવણી આપવામાં આવી શકશે. આ રિસર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય દીપડાઓની પ્રવૃત્તિઓને સમજવા સાથે માનવ-દીપડા સંઘર્ષને ઘટાડવાનો છે.

ઝંખવાવના રેસ્ક્યુ સેન્ટરમાં 8 વર્ષના દીપડાને રેડિયો કોલર ફિટ કરાયો

શનિવારે માંગરોળ તાલુકાના ઝંખવાવમાં આવેલા વન વિભાગના દીપડાના રેસ્ક્યુ સેન્ટરમાં આ અભ્યાસ શરૂ થયો. અહીં 8 વર્ષના દીપડાને સાસણ ગીરથી આવેલી પશુચિકિત્સકની ટીમ દ્વારા રેડિયો કોલર ફિટ કરાયું છે. આ પ્રયોગ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવ્યો છે. વન વિભાગ હવે રેડિયો કોલરના માધ્યમથી દીપડાની દરેક હરકત પર નજર રાખશે.

અભ્યાસ માટે એક રેડિયો કોલરનો ઉપયોગ, કિંમત 5 લાખ રૂપિયા

હાલમાં આ પ્રોજેક્ટ માટે માત્ર એક જ રેડિયો કોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક રેડિયો કોલરની કિંમત આશરે પાંચ લાખ રૂપિયા છે, જેના કારણે એકસાથે વધુ કોલરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જો આ અભ્યાસ સફળ રહેશે, તો આગળના સમયમાં વધુ દીપડાઓ પર આ પ્રયોગ કરવામાં આવશે.

બેટરી પૂર્ણ થયા પછી દીપડાને પકડવાની જરૂર નથી

રેડિયો કોલરની ડિઝાઇનને ધ્યાનમાં રાખીને, જો તેની બેટરી પૂર્ણ થાય, તો તેને કાઢવા માટે દીપડાને પકડવાની જરૂર નથી પડે. આ રેડિયો કોલરની બેટરીની આવરદા એક વર્ષથી વધુ છે. બેટરી પૂર્ણ થયા બાદ સિસ્ટમથી કોલર આપમેળે અનલોક થઈ જાય છે અને દીપડાના ગળામાંથી નિકળી જાય છે.

દક્ષિણ ગુજરાતમાં 104 દીપડાનો વસવાટ

સુરત જિલ્લામાં હાલમાં 104થી વધુ દીપડાઓ વસે છે. આ સંજોગોમાં રેડિયો કોલરનો ડેટા વન વિભાગને માનવ અને દીપડાના સંઘર્ષને ઘટાડવામાં મદદરૂપ બનશે. જો દીપડો માનવ વસવાટવાળા વિસ્તારોમાં જાય છે, તો તાત્કાલિક ચેતવણી આપીને અકસ્માતો ટાળવામાં મદદ મળશે.

અભ્યાસ માટેની મંજૂરી

આ પ્રોજેક્ટ માટે પીસીસીએફ (પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) અને મુખ્ય વન્યજીવન વોર્ડનની કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અભ્યાસ દક્ષિણ ગુજરાતમાં દીપડાઓના વ્યવહારને સમજવા માટેનું મહત્ત્વનું પાયાનું કામ સાબિત થશે. દીપડાની ગતિવિધિ જાણવા માટે રેડિયો કોલરનો પ્રયોગ એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, જે આગળના સમયમાં સંઘર્ષને ઘટાડવા માટે મોખરાનું ઉદાહરણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top