શું અમેરિકા પણ ચીનની જેમ વિસ્તારવાદની રાજનીતી કરશે? જાણો વધુ વિગત..

29 નવેમ્બર, 2024ના રોજ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો યુએસના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા.

ડિનર ટેબલ પર ટ્રમ્પે કહ્યું હતું કે કેનેડાને અમેરિકાનું ’51મું રાજ્ય’ બનવું જોઈએ. આ મિટિંગ સાથે સંબંધિત પોસ્ટમાં પણ ટ્રમ્પે કેનેડાના પીએમને ‘ગવર્નર ટ્રુડો’ કહ્યા છે. ટ્રમ્પના આ વિસ્તરણવાદી વલણની ખૂબ ચર્ચા થઈ હતી.

છેલ્લા બે દિવસમાં ટ્રમ્પે તેમની વિસ્તરણ યોજનામાં બે નવાં નામ ઉમેર્યાં છે – ગ્રીનલેન્ડ, વિશ્વનો સૌથી મોટો ટાપુ અને પનામા કેનાલ, જે સૌથી વ્યસ્ત વેપાર માર્ગો પૈકી એક છે. ટ્રમ્પે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપારી હિતો માટે તે અમેરિકાના નિયંત્રણમાં રહે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એવી વાતો લખી છે, જેના પર સરળતાથી વિશ્વાસ નથી થતો. એટલા માટે કેટલાક લોકોને આ વાતો રમૂજી લાગે છે, પરંતુ ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે ટ્રમ્પ આ બાબતોને લઈને ગંભીર છે.

ડેનમાર્કની રોયલ ડેનિશ ડિફેન્સ કોલેજના સહયોગી પ્રોફેસર માર્ક જેકબસનના જણાવ્યા અનુસાર,

ટ્રમ્પના નિવેદન પર ડેનમાર્કે નારાજગી વ્યક્ત કરી છે. પરંતુ લાંબા સમયથી આઝાદીની માગ કરી રહેલા ગ્રીનલેન્ડના લોકો અમેરિકા સાથેના આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે ટ્રમ્પની ઈચ્છાનો ઉપયોગ કરી શકે છે.”

ડેવિડ એલ., ભૂતપૂર્વ અમેરિકન વિદેશી અધિકારી અને એટલાન્ટિક કાઉન્સિલના વરિષ્ઠ સાથી. ગોલ્ડવિન અનુસાર,

ગ્રીનલેન્ડમાં ઘણાં કુદરતી સંસાધનો છે. આમાંથી મોટા ભાગનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન જેવી તકનીકોમાં થાય છે.”

પરંતુ વિદેશી બાબતોના નિષ્ણાત અને જેએનયુના પ્રોફેસર રાજન કુમારનું માનવું છે કે ટ્રમ્પે આ વાતો મજાકમાં કહી છે અને તેઓ પહેલાં પણ કરી ચૂક્યા છે.

રાજન કુમાર કહે છે,

ટ્રમ્પનાં નિવેદનોનો અર્થ નથી કે તેઓ શું કહે છે. કેનેડા પર ટ્રમ્પની ટિપ્પણી રમૂજી છે અને એનો હેતુ અમેરિકાનો પ્રભાવ વધારવા માટે છે. નિવેદનોને ટ્રમ્પના ડિંગ હાંકવા તરીકે જોવું જોઈએ.”

ગ્રીનલેન્ડ પર અમેરિકા દાયકાઓથી નજર રાખી રહ્યું છે..

અમેરિકા માટે સુરક્ષા અને અર્થવ્યવસ્થાના મોરચે ગ્રીનલેન્ડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વાસ્તવમાં ગ્રીનલેન્ડમાં અમેરિકાનું સૈન્ય મથક છે અને અહીં દુર્લભ કુદરતી સંસાધનો પણ છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. એની વ્યૂહાત્મક સ્થિતિને કારણે રશિયા અને અમેરિકા જેવા ઘણા દેશો એને નિયંત્રિત કરવા માટે સ્પર્ધા કરી રહ્યા છે.

ડેનિસ સરકારના વેબસાઈટ અનુસાર, આ ટાપુ પર 18મી સદીથી 1979 સુધી ડેનમાર્કનું શાસન હતું. હવે એ સ્વ-શાસિત છે, ખાસ કરીને સ્થાનિક બાબતોમાં એનો અર્થ એ કે ગ્રીનલેન્ડ સ્વ-શાસિત છે. પરંતુ એ મૂળભૂત રીતે ડેનમાર્કનાં નિયંત્રણ હેઠળ છે.

ટ્રમ્પે કહ્યું હતું કે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા છે. ખરેખર, અહીં એક અમેરિકન સૈન્યમથક છે. યુએસ સ્પેસ ફોર્સ અનુસાર, આ બેઝનું નામ પિટફિક સ્પેસબેઝ છે, જે મિસાઈલ ડિફેન્સ અને સ્પેસ સર્વેલન્સ માટે વ્યૂહાત્મક સ્થાન છે, એટલે કે અમેરિકા માટે આ બેઝ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ બેઝ શીતયુદ્ધની શરૂઆતમાં બનાવવામાં આવ્યું હતું.

23 ડિસેમ્બરે ટ્રમ્પે સોશિયલ મીડિયા ‘ટ્રુથ’ પર ગ્રીનલેન્ડમાં રાજદૂતની નિમણૂકની જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે વિશ્વમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વતંત્રતા માટે અમેરિકા એ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ટ્રમ્પનાં નિવેદન પર વળતો પ્રહાર કરતાં ગ્રીનલેન્ડના પીએમ મ્યૂટ બાગેડેએ એક નિવેદનમાં કહ્યું,

ગ્રીનલેન્ડ અમારું છે. વેચાણ માટે નથી અને ક્યારેય વેચાણ માટે રહેશે નહીં. આપણે સ્વતંત્રતા માટેના લાંબા સંઘર્ષને ગુમાવવો જોઈએ નહીં.”

ગ્રીનલેન્ડમાં ટ્રમ્પની રુચિ કંઈ નવી નથી. તેમણે 2017 થી 2021 સુધીના તેમના પ્રથમ કાર્યકાળમાં આ વિસ્તાર પર નિયંત્રણ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 2019માં પણ ટ્રમ્પે ગ્રીનલેન્ડ ખરીદવાનો સંકેત પણ આપ્યો હતો.

આ મુદ્દો ઉઠાવનારા ટ્રમ્પ પ્રથમ રાષ્ટ્રપતિ નથી. 1860ના દાયકામાં પ્રમુખ એન્ડ્રુ જોનસનના વહીવટીતંત્રે ગ્રીનલેન્ડ પર એક અહેવાલ તૈયાર કર્યો, જે મુજબ ગ્રીનલેન્ડનાં કુદરતી સંસાધનો એને વ્યૂહાત્મક રોકાણ બનાવી શકે છે. બીજા વિશ્વયુદ્ધ પછી ભૂતપૂર્વ પ્રમુખ હેરી એસ. ટ્રુમેને ગ્રીનલેન્ડ માટે $100 મિલિયનની ઓફર કરી.

2019માં ધ વોશિંગ્ટન પોસ્ટનો અંદાજ છે કે ગ્રીનલેન્ડની ખરીદી માટે લગભગ 1.7 ટ્રિલિયન ડોલરનો ખર્ચ થઈ શકે છે.

22 ડિસેમ્બરે એરિઝોનામાં એક કાર્યક્રમમાં ટ્રમ્પે પનામા કેનાલનો મુદ્દો ઉઠાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું,

પનામા અમેરિકન જહાજો પાસેથી વધુ પડતો કર વસૂલે છે, જે ખોટું છે. પનામા કેનાલ અમેરિકાને પાછી આપવી જોઈએ.”

ટ્રમ્પનો વિરોધ કરતાં પનામાનાં પ્રમુખ જોસ રાઉલ મુલિનોએ કહ્યું હતું કે પનામા કેનાલ અને એની આસપાસનો વિસ્તાર પનામાનો છે અને પનામાનો જ રહેશે.

વાસ્તવમાં અમેરિકાનો બિઝનેસ પનામા કેનાલ પર નિર્ભર છે. દર વર્ષે પનામા કેનાલમાંથી 14 હજારથી વધુ જહાજો પસાર થાય છે. આ જળમાર્ગ વૈશ્વિક મહાસાગર વેપારમાં 2.5% હિસ્સો ધરાવે છે.

અમેરિકાનાં 40% કન્ટેનર અહીંથી પસાર થાય છે. આ નહેર અમેરિકી વેપારને એશિયા સાથે જોડે છે.

આ 82 કિલોમીટર લાંબી નહેર પનામા દ્વારા પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડે છે, જેના કારણે દરિયાઈ જહાજને ઘણા દિવસો અને ઘણા કિલોમીટરની મુસાફરી ઘટી જાય છે. આ કારણોસર ટ્રમ્પ પનામા કેનાલ પર નિયંત્રણ મેળવવા માગે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ટ્રમ્પ પણ અંગત કારણોસર પનામા કેનાલ પર નિયંત્રણની વાત કરી રહ્યા છે. હકીકતમાં 2018માં પનામા પોલીસના દબાણમાં ટ્રમ્પે પનામા સિટીસ્થિત ઓશન ક્લબ ઇન્ટરનેશનલ હોટલ અને ટોપર પર પોતાનો દાવો છોડવો પડ્યો હતો.

1904 અને 1914ની વચ્ચે અમેરિકન પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે પનામા કેનાલનું નિર્માણ કર્યું. 1999માં અમેરિકાએ પનામાને આપ્યું હતું. ત્યારથી તે પનામની સરકારના નિયંત્રણમાં છે.

ફ્લોરિડાના રિપબ્લિકન પાર્ટીના પ્રતિનિધિ કાર્લોસ ગિમેનેઝનું કહેવું છે કે પનામાને લઈને ટ્રમ્પનાં નિવેદનો થોડા વિચિત્ર હોઈ શકે છે, પરંતુ તેને ગંભીરતાથી લેવું જોઈએ, એ પનામા માટે ખતરાની ઘંટડી છે.

વિદેશી બાબતોના નિષ્ણાત રાજન કુમાર કહે છે,

ટ્રમ્પ પનામા કેનાલને નિયંત્રિત કરીને ઘૂસણખોરી, આર્થિક વેપારને નિયંત્રિત કરવા માગે છે.”

નવેમ્બરમાં કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો અને ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં માર-એ-લાગો એસ્ટેટમાં અમેરિકામાં ઘૂસણખોરી વિશે વાત કરી હતી, પરંતુ ડિનર ટેબલ પર ટ્રમ્પે મજાકમાં ટ્રુડોને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાનું કહ્યું.

10 ડિસેમ્બરના રોજ ટ્રમ્પે સોશિયલ મીડિયા ‘ટ્રુથ’ પર એક પોસ્ટ કરી હતી, જેમાં જસ્ટિન ટ્રુડોને ‘કેનેડા રાજ્યના ગવર્નર’ કહ્યા હતા.

18 ડિસેમ્બરના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે પાડોશી દેશ કેનેડા અમેરિકાના 51મા રાજ્ય તરીકે જોડાઈ શકે છે. સોશિયલ મીડિયા ટ્રુથ પર તેણે લખ્યું, ‘ઘણા કેનેડિયનો ઈચ્છે છે કે કેનેડા 51મું રાજ્ય બને. તેઓ કર અને સૈન્ય સુરક્ષા પર મોટી બચત કરશે.

ટ્રુડોના સલાહકાર ગેરાલ્ડ બટ્સે કહ્યું, ‘ટ્રમ્પ એક બોક્સર જેવા છે, જે કટ પર કામ કરી રહ્યા છે.’ એનો અર્થ એ કે કેનેડાની નબળાઈને સમજીને ટ્રમ્પ એના પર હુમલો કરી રહ્યા છે. વાસ્તવમાં જસ્ટિન ટ્રુડો પીએમપદ માટે રાજકીય સંકટ અને દુવિધામાં ફસાયેલા છે.

યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર મેક્સ કેમેરોનના જણાવ્યા અનુસાર,

સાથે ટ્રમ્પ કેનેડાની સરકાર પર દબાણ લાવી રહ્યા છે, જેથી તેઓ અમેરિકન નીતિઓ સાથે સહમત થાય અને સમર્થન કરે.”

ફોક્સ ન્યૂઝ અનુસાર, ‘ટ્રમ્પને લાગે છે કે કેનેડાના યુએસમાં જોડાવાથી ડ્રગની દાણચોરી અને ગેરકાયદે ઇમિગ્રેશન બંધ થશે.’

જો પનામા કેનાલ, કેનેડા અને ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ હોય તો અમેરિકાથી ‘ગ્રેટર અમેરિકા’ દેખાશે. હકીકતમાં જો આમ થશે તો અમેરિકાનો વિસ્તાર એટલો વધી જશે કે તે વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની જશે. અમેરિકાનો બિઝનેસ પણ વધશે અને તેની અર્થવ્યવસ્થા પણ મજબૂત બનશે.

ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વિશ્વ પરિપ્રેક્ષ્યમાં તેમની વિચારસરણી નિયમો અને નિયમોનું પાલન કરતા લોકો કરતાં ઘણી અલગ છે. બીજી ટર્મ માટેના તેમના આયોજનની સરખામણીએ, પ્રથમ ટર્મ પાર્કમાં ચાલવા જેવી હતી. આનો અર્થ એ થયો કે ટ્રમ્પ તેમની વિસ્તરણવાદી વિચારસરણી અને અમેરિકા ફર્સ્ટ નીતિ માટે બીજા કાર્યકાળમાં કોઈપણ નિયમો અને નિયમોની ચિંતા કરશે નહીં.

ચીનમાં જર્મનીના ભૂતપૂર્વ રાજદૂત માઈકલ શેફરનું કહેવું છે કે ટ્રમ્પ WTO જેવી સંસ્થાઓને વધુ મહત્ત્વ આપતા નથી. તેમનું માનવું છે કે આમાં થયેલા કરારો અને કામ માત્ર સમયનો વ્યય છે. તેઓ તેમના દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરે છે.

પરંતુ જેએનયુના પ્રોફેસર રાજન કુમાર માને છે કે ‘ગ્રેટર અમેરિકા’ જેવી કોઈ નીતિ નથી. તેઓ કહે છે,

ટ્રમ્પ પાસે ગ્રેટર અમેરિકા માટે કોઈ યોજના નથી, જોકે તેઓ અમેરિકાનો પ્રભાવ અને ટેરિફ વધારવા માગે છે. ટ્રમ્પ અમેરિકાના વેપાર અને સૈન્યને દેશની અંદર રાખવા માગે છે. ટ્રમ્પ વિસ્તરણની નીતિમાં નહીં, પણ અલગતાની નીતિમાં માને છે.”

ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી અમેરિકાનાં બંને ગૃહોમાં મજબૂત છે. રિપબ્લિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 100માંથી 53 અને સેનેટમાં 435માંથી 220 બેઠકો ધરાવે છે, એટલે કે રિપબ્લિકન પાસે બહુમતી છે. આવી સ્થિતિમાં જો ટ્રમ્પ કોઈ દેશને પોતાના નિયંત્રણમાં લેવાનો પ્રસ્તાવ લાવે છે તો તે એને પાસ કરાવી શકે છે. એમાં કોઈ શંકા નથી કે ટ્રમ્પ વધુ સારી સંસ્થા, બહેતર સ્ટાફ અને સારા વહીવટ સાથે સત્તામાં આવશે. ઉપરાંત ગત વખતની સરખામણીમાં રિપબ્લિકન પાર્ટી અને અમેરિકા પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે વધુ સારી સ્થિતિમાં હશે.

ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ટ્રમ્પ પોતાની સરહદો પર કોઈપણ દેશની સંપ્રભુતામાં વિશ્વાસ નથી રાખતા. જ્યારે રશિયાએ યુક્રેનની સરહદમાં ઘૂસીને તેના પ્રદેશો પર કબજો જમાવ્યો ત્યારે ટ્રમ્પે રશિયાની નિંદા કરવાને બદલે સમર્થન કર્યું. તેમણે તેને પુતિનનું અસરકારક પગલું ગણાવ્યું. એ જ સમયે ટ્રમ્પ યુક્રેનની સરહદ પુનઃસ્થાપિત કરવાને બદલે સમાધાનની માંગ કરી રહ્યા છે.

લંડન સ્થિત વકીલ ઋષભ ભંડારી તેમના લેખમાં લખે છે,

ટ્રમ્પે ગ્રેટર અમેરિકાને લઈને હંમેશાં કડક પગલાં લીધાં છે. તેઓ દરેક જગ્યાએ અમેરિકાનું વર્ચસ્વ ઈચ્છે છે. ટ્રમ્પ તેમના નવા કાર્યકાળમાં વધુ રૂઢિચુસ્ત એજન્ડાને અનુસરી શકે છે. તેઓ મોટા નિર્ણયો લેવામાં શરમાશે નહીં.”

પરંતુ BHUમાં યુનેસ્કો ચેર ફોર પીસ પ્રોફેસર પ્રિયંકર ઉપાધ્યાય માને છે કે અમેરિકા કોઈના પર કબજો કરી શકે એવી સ્થિતિમાં નથી. તેઓ કહે છે, ‘ટ્રમ્પ તેમનાં નિવેદનોમાં કંઈપણ કહે છે, પરંતુ જ્યારે વહીવટ અને રાજકારણની વાત આવે છે ત્યારે તેમનો દૃષ્ટિકોણ અલગ છે. ટ્રમ્પ ઈચ્છતા નથી કે અમેરિકન આર્મી કોઈપણ યુદ્ધમાં સામેલ થાય તેમજ અમેરિકન અર્થવ્યવસ્થા હજુ પણ જોખમમાં છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ કોઈપણ દેશ પર કબજો કરવાનું પસંદ કરશે નહીં.

પ્રોફેસર પ્રિયંકર ઉપાધ્યાય કહે છે,

“સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પ આ નિવેદનો પર કેટલું કામ કરશે એ અંગે શંકા છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાનો પરાજય થયો છે, જેમ કે અમેરિકાને વિયેતનામ અને મધ્ય-પૂર્વમાં નુકસાન થયું. કેટલીકવાર ટ્રમ્પ વિચાર્યા વિના આવાં નિવેદનો આપે છે. તેમને ગંભીરતાથી લેવા જોઈએ નહીં.”

One thought on “શું અમેરિકા પણ ચીનની જેમ વિસ્તારવાદની રાજનીતી કરશે? જાણો વધુ વિગત..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top