ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પે ઘણા પ્રસંગોએ એકબીજાને સારા મિત્ર ગણાવ્યા છે, પરંતુ ટ્રમ્પ વેપાર સંબંધિત મુદ્દાઓ પર પણ ભારતને નિશાન બનાવી રહ્યા છે આ મુદ્દે બ્રિક્સમાં સામેલ ભારત અને ચીન જેવા દેશોને ખુલ્લેઆમ ધમકી આપી છે.
ટ્રમ્પ એ કહ્યું હતું કે જો બ્રિક્સ દેશો ડોલર સિવાય અન્ય કરન્સીમાં વેપાર કરે છે તો તેઓ તેમના પર સો ટકા ટેરીફ લાદશે.
ટ્રમ્પ એ કહ્યું હતું કે જો બ્રિક્સ દેશો યુએસ ડોલરને બદલે અન્ય ચલણમાં વેપાર કરે છે, તો તેમણે અમેરિકન બજારમાં તેમના ઉત્પાદનનું વેચાણ બંધ કરવું પડશે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું,
“ડોલરનો ઉપયોગ ઘટાડવાના બ્રિક્સ દેશોના પ્રયાસો પર અમેરિકા ચૂપ નહીં રહે. અમારે બ્રિક્સ દેશો તરફથી બાંયધરી જોઈએ છે કે તેઓ વેપાર માટે યુએસ ડોલરની જગ્યાએ કોઈ નવું ચલણ બનાવશે નહીં કે અન્ય દેશોના ચલણમાં વેપાર કરશે નહીં.”
આ વર્ષે 22 થી 24 ઓક્ટોબર દરમ્યાન બ્રિક્સ દેશોની 16મી સમિટ રશિયાના કઝાન શહેરમાં યોજાય હતી. આ દરમિયાન દરેક દેશો વચ્ચે તેમની પોતાની ચુકવણી સિસ્ટમ બનાવવા અંગે ચર્ચા થઈ હતી, જેથી વૈશ્વિક વ્યાપાર માટે ડોલરનો ઓછો ઉપયોગ કરી શકાય.
વૈશ્વિક SWIFT પેમેન્ટ સિસ્ટમની તર્જ પર આ પેમેન્ટ સિસ્ટમ બનાવવાનો વિચાર હતો. ભારતે બ્રિક્સ દેશોને પેમેન્ટ સિસ્ટમ માટે તેને યુપીઆઈ પણ ઓફર કરી હતી.
આ દરમિયાન બ્રિક્સ દેશોના વેપાર માટે નવું ચલણ બનાવવા અથવા અન્ય દેશના ચલણનો ઉપયોગ કરવાની ચર્ચાઓ પણ તે જ બની હતી. જો કે આ માટે બ્રિક્સ દેશો વચ્ચે કોઈ સહમતી બની શકી નહોતી.
બ્રિક્સ સમિટ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે રશિયા ડોલરને છોડવા કે હરાવવા માંગતું નથી, પરંતુ તેને ડોલર સાથે કામ કરવાથી રોકવામાં આવી રહ્યું છે, તેથી ડોલરની જગ્યાએ અન્ય કોઈ વિકલ્પ શોધવાની મજબૂરી છે.
ડોલરની કિંમત ઘટાડવાના બ્રિક્સ દેશોનાં આ પ્રયાસોથી ટ્રમ્પ નારાજ છે. બ્રિક્સમાં ભારત, રશિયા અને ચીન સહિત નવ દેશો સામેલ છે. તે ઉભરતી અર્થ વ્યવસ્થા ધરાવતા દેશોનો એક સમૂહ છે.
અમેરિકન ડોલર આવી રીતે બન્યુ વિશ્વનું સૌથી મજબૂત ચલણ
ભારતને પાકિસ્તાનનાં ચલણ પર વિશ્વાસ નથી. આવી પરિસ્થિતિમાં તે પાકિસ્તાની ચલણમાં ભરોસો કરશે નહીં અને વેપાર પણ કરશે નહી. આવી સમસ્યાનાં ઉકેલ માટે વર્ષ 1944માં ઘણા દેશોએ મળીને ડોલર બેઝ કરન્સી બનાવી દીધી, એટલે કે ભારત પાકિસ્તાન સાથે ડોલરમાં વેપાર કરી શકે છે, કારણ કે તે જાણે છે કે અમેરિકન ડોલર ડૂબે નહી અને જરૂર પડશે તો અમેરિકા ડોલરનાં ડોલરનાં બદલામાં સોનું આપશે.
આ વ્યવસ્થા લગભગ 3 દાયકા સુધી ચાલી. ડોલર વિશ્વનું સૌથી સુરક્ષિત ચલણ બની ગયુ હતુ, પરંતુ 1970નાં દાયકાની શરૂઆતમાં ઘણા દેશોએ ડોલરનાં બદલામાં સોનાની માંગ કરવાનુ શરૂ કર્યુ. આ દેશો અમેરિકાને ડોલર આપતા હતા અને એના બદલામાં સોનુ લેતા હતા. આના કારણે અમેરિકાનાં સોનાના ભંડારમાં ઘટાડો થવા લાગ્યો.
1971માં અમેરિકાનાં રાષ્ટ્રપતિ નિક્સને ડોલરને સોનાથી અલગ કર્યો હતો. આ હોવા છતાં દેશોએ ડોલરમાં લેવડદેવડમાં કરવાનું ચાલુ રાખ્યુ, કારણ કે ત્યાં સુધીમાં ડોલર વિશ્વનું સૌથી સુરક્ષિત ચલણ બની ગયુ હતુ.
ડોલરની મજબૂતીનું બીજું એક મોટું કારણ હતુ. હકીકતમાં 1945માં અમેરિકાનાં રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટે સાઉદી સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. કરારની શરત એ હતી કે અમેરિકા તેનું રક્ષણ કરશે અને એના બદલામાં સાઉદી માત્ર ડોલરમાં તેલ વેચશે. એનો અર્થ એ કે જે દેશો તેલ ખરીદવા માંગતા હોય તો તેમની પાસે ડોલર હોવા જોઈએ.
અમેરિકન અર્થશાસ્ત્રી સાઇમન હંટનું માનવું છે કે આગામી 2 વર્ષમાં બ્રિક્સ દેશોનું ચલણ અથવા પધ્ધતિ યુએસ ડોલર સાથે સ્પર્ધા કરશે. નિષ્ણાતોનું માનવું છે કે બ્રિક્સ દેશો કોઈ એક ચલણ પર સહમત નહીં થાય, જોકે તેઓ ચુકવણી માટે પધ્ધતિ બનાવી શકે છે અથવા તેમના પોતાના ચલણી નાણામાં વેપાર કરવા માટે સંમત થઈ શકે છે.
પ્રો.રાજન કુમારના મતે અત્યારે સંપૂર્ણ ડી-ડોલરાઈઝેશન કરવું શક્ય નથી. તેમનું કહેવું છે કે બ્રિક્સ દેશોમાં રાષ્ટ્રીય ચલણનો વેપાર થતો હોય તો પણ તેનું મૂલ્ય માત્ર ડોલર પર આધારિત હોય છે, એટલે કે જો રશિયા અને ચીન વચ્ચે વેપાર હોય તો રૂબલ અને યુઆનની કિંમત ડોલરના આધારે નક્કી થાય છે. જો બ્રિક્સ દેશો પેમેન્ટ સિસ્ટમ બનાવે તો પણ એનાથી ડોલરનો ઉપયોગ ઘટશે. એવું નથી કે સંપૂર્ણ ડી-ડોલરાઇઝેશન થઈ જશે.
અમેરિકા મજબૂત ડોલર અને અર્થતંત્રના આધારે વિશ્વમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે.
જ્યારે પણ કોઈપણ દેશ તેને કોઈ પણ રીતે પડકારે છે ત્યારે અમેરિકા તે દેશ પર પ્રતિબંધો લાદી દે છે. આમ કરીને અમેરિકા દેશોના વેપાર અને તેમની વિદેશનીતિને અસર કરે છે.
ડી-ડોલરાઇઝેશન દેશો વચ્ચે શક્તિ સંતુલન બદલી શકે છે. તે વૈશ્વિક અર્થતંત્ર અને બજારને પણ નવી રીતે આકાર આપશે. અમેરિકાને એની અસર થશે.
રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ડી-ડોલરાઇઝેશનને અમેરિકા માટે મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે તાજેતરમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે જે દેશો ડોલર છોડી દેશે તો તેમના પર 100% ટેરિફ લાદવામાં આવશે.
રાજન કુમાર સમજાવે છે, ‘આખી દુનિયામાં ડોલરનો વેપાર બ્રિક્સ દેશોના વેપાર કરતાં અનેક ગણો વધારે છે. આવી સ્થિતિમાં બ્રિક્સ દેશો કોઈ પણ ચલણ કે પધ્ધતિ લાવે તો પણ તેની ડોલરની કિંમત પર બહુ અસર નહીં થાય.
જેપી મોર્ગનના વ્યૂહાત્મક સંશોધક એલેરઝેન્ડર વાઈસ કહે છે, “ડી-ડોલરાઈઝેશન યુએસ બજારોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ અને આત્મવિશ્વાસમાં ઘટાડા તરફ દોરી શકે છે, જે નફામાં ઘટાડો કરશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય અનામત ડોલરમાં ઘટાડો થશે અથવા અન્ય ચલણમાં વધુ અનામત રાખવામાં આવશે.
ટેરિફનો ઉપયોગ..
ટેરિફ એ અન્ય દેશોમાંથી નિકાસ કરાયેલાં ઉત્પાદનો પર લાદવામાં આવતો કર છે. માત્ર એને વધારીને કે ઘટાડીને દેશો પોતાની વચ્ચેનાં વેપારને નિંયત્રિત કરે છે. ઉત્પાદનોની આયાત કરનાર દેશ ટેરિફ લાદે છે, જેથી દેશમાં બનેલા માલની કિંમત બહારથી આવતા માલ કરતાં ઓછી રહે. નિશ્વિત કર કરતાં વધારે ટેરિફ લાદવામાં ન આવે એની ખાતરી કરવા માટે બધા દેશો વિશ્વ વેપાર સંગઠન સાથે વાટાઘાટ કરે છે અને બાઉન્ડ રેંટ નક્કી કરે છે.
અમેરિકાનું મજબૂત ચલણ એટલે કે ડોલરને કારણે અન્ય દેશોમાંથી ખરીદેલી પ્રોડક્ટ સસ્તી પડે છે. એટલા માટે અમેરિકા નિકાસ કરવાને બદલે વધુ માલ આયાત કરે છે. આ કારણે અમેરિકા ઘણાં દેશોનાં વિદેશી વેપારમાં મોટી ભૂમિકા ભજવે છે.
બ્યુરો ઓફ ઈકોનોમિક એનાલિસિસનાં રિપોર્ટ અનુસાર, અમેરિકાએ સપ્ટેમ્બર 2024માં 30 લાખ કરોડ રૂપિયા (352 બિલિયન ડોલર)થી વધુની આયાત કરી છે.
સપ્ટેમ્બર મહિનામાં ભારતમાંથી 54 હજાર કરોડ (6.3 બિલિયન ડોલર)ના માવની આયાત કરી છે. જો અમેરિકા 100% ટેરિફ લાદે છે, તો ઘણા દેશોના સામાન અમેરિકન બજારમાં બમણા ભાવે વેચવાનું શરૂ કરશે. આ કારણે આ માલનું વેચાણ ઘટી શકે છે. એનાથી ઘણા દેશોની વિદેશી નિકાસ પર અસર થશે. આ કારણે ટેરિફનો ઉપયોગ હથિયાર તરીકે થાય છે.
અમેરિકા 100% ટેરિફ લાદશે તો તેની ભારત પર અસર..
ભારત તેના 17%થી વધુ વિદેશી વેપાર અમેરિકા સાથે કરે છે. અમેરિકા ભારતીય કૃષિ ઉત્પાદનો, જેમ કે ફળો અને શાકભાજીનું સૌથી મોટું ખરીદનાર છે. અમેરિકાએ પણ 2024માં ભારતમાંથી 18 મિલિયન ટન ચોખાની આયાત કરી હતી. આવી પરિસ્થિતિમાં જો અમેરિકા 100% ટેરિફ લાદે છે, તો ભારતીય ઉત્પાદનો અમેરિકન બજારોમાં બમણા ભાવે વેચવાનું શરૂ કરશે. એનાથી અમેરિકન જનતામાં એની માંગ ઘટી જશે.