કેનેડા આંતકવાદીઓ માટે ભારત સાથે સંબંધ ખરાબ કરી રહ્યુ છે, જાણો વધુ વિગત..
1980નાં દાયકાનો કિસ્સો છે. ખાલિસ્તાની તલવિંદરસિંહ પરમારનું નામ પંજાબમાં 2 પોલીસ અધિકારીઓની હત્યામાં સામે આવ્યુ છે, જે કેનેડા ભાગી ચૂક્યો હતો. એ સમયે કેનેડાનાં વર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનાં પિતા પિયરે ટ્રુડો હતા. ઈન્દિરા ગાંધીએ પિયરે ટ્રુડોને કહ્યું હતું કે તે તલવિંદરને ભારતને સોંપી દે. ટ્રુડોએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. આના પર ઈન્દિરાએ નારાજગી વ્યક્ત કરી હતી.
3 વર્ષ પછી જૂન 1985માં કેનેડાના મોન્ટ્રિયલથી એર ઈન્ડિયાનાં કનિષ્ક વિમાને ઉડાન ભરી. તેને લંડન થઈને મુંબઈ જવાનું હતું. રસ્તામાં વિમાનમાં વિસ્ફોટ થયો. 270 કેનેડિયન નાગરિકો સહિત કુલ 329 લોકોનાં મોત થયા. આ હુમલો ખાલિસ્તાનીઓએ કર્યો હતો અને એનો માસ્ટરમાઈન્ડ તલવિંદરસિંહ પરમાર હતો. એ જ તલવિંદર, જેને કેનેડાએ ભારતને સોંપવાની ના પાડી દીધી હતી.
ઈતિહાસનું ફરી પુનરાવર્તન થઈ રહ્યું છે. એક આતંકવાદીને કારણે ભારત–કેનેડાનાં સંબંધો ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયા છે. ખાલીસ્તાનીઓના પડછાયામાં ભારત અને કેનેડા વચ્ચેનાં સંબંધોની આખી કહાની..
42 વર્ષ પહેલાં શરૂ થઈ કેનેડામાં ખાલીસ્તાનીઓને પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા..
પંજાબ માટે અલગ રાજ્યની માંગ પહેલીવાર 1929માં ઊઠી હતી. 1947માં આ માંગ આંદોલનમાં ફેરવાઈ ગઈ. એને પંજાબી સુબા આંદોલન નામ આપવામાં આવ્યું હતું. 1973માં આનંદપુર સાહિબ ઠરાવ દ્વારા સ્વાયત ખાલિસ્તાન માટે શીખોનું સમર્થન વધવા લાગ્યું. શીખો પણ કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સ્થાયી થયા હોવાથી તેની ચિનગારી ત્યાં પણ પહોંચી હતી.
26 જાન્યુઆરી 1982ના રોજ સુરજનસિંહ ગિલે કેનેડાનાં વાનકુવરમાં ખાલિસ્તાન ગવર્નમેન્ટ ઈન એક્સાઈલ એટલે કે નિર્વાસિત સરકારની ઓફિસ ખોલી. ગિલે બ્લૂ ખાલિસ્તાની પાસપોર્ટ સાથે રંગબેરંગી ચલણ પણ જારી કર્યુ હતું. જો કે તેમને સ્થાનિક શીખોનો મર્યાદિત ટેકો મળ્યો હતો.
સુરજનસિંહ ગિલનો જન્મ સિંગાપોરમાં થયો હતો અને તેમનું શિક્ષણ ભારત અને ઈંગ્લેન્ડમાં થયું હતું. આ પછી તે કેનેડા ગયો. 1980ના દાયકામાં જ બબ્બર ખાલસા અને શીખ ઓર્ગેનાઈઝેશન જેવાં કેટલાંક અન્ય ખાલિસ્તાની સંગઠનો પણ વિદેશી ધરતી પર રચાયા હતા.
ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસાના કેનેડિયન વડા તલવિંદરસિંહ પરમાર પર 19 નવેમ્બર 1981ના રોજ પંજાબના લુધિયાણામાં બે પોલીસકર્મીની હત્યા કરવાનો આરોપ હતો. 1982માં ભારતે તલવિંદરસિંહ પરમાર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યુ હતુ. તલવિંદ એ સમયે કેનેડામાં રહેતો હતો.
1982માં ભારતનાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તત્કાલીન કેનેડાનાં PM પિયર ટ્રુડોને તલવિંદર સિંહને ભારતને સોંપવા કહ્યું હતું. પિયર ટ્રુડો કેનેડાનાં વર્તમાન PM જસ્ટિન ટ્રુડોના પિતા હતા. પિયર ટ્રુડોએ ભારતની માગને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે કોમનવેલ્થ દેશો વચ્ચે પ્રત્યાર્પણ પ્રોટોકોલ લાગુ પડતા નથી, તેથી તેઓ તલવિંદરનું પ્રત્યાર્પણ નહી કરે.
કેનેડાના વરિષ્ઠ પત્રકાર અને ખાલિસ્તાન ચળવળ પર લાંબા સમયનાં રિપોર્ટર ટેરી મિલેવસ્કીએ તેમના પુસ્તક ‘બ્લડ ફોર બ્લડ : ફિફ્ટી યર્સ ઓફ ધ ગ્લોબલ ખાલિસ્તાન પ્રોજેક્ટ’માં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેણે એમાં લખ્યું છે કે,
“1982માં ઈન્દિરા ગાંધીએ ખાલિસ્તાની આતંકવાદીઓ પર કેનેડાની દલીલને ફગાવીને પિયર ટ્રુડોને ઠપકો આપ્યો હતો.”
દરમિયાન 1983માં પંજાબમાં બે પોલીસ અધિકારીની હત્યાના કેસમાં જર્મન પોલીસે તલવિંદરની ધરપકડ કરી હતી. જો કે લગભગ એક વર્ષની અંદર તલવિંદરની ધરપકડ કરી હતી. જો કે લગભગ એક વર્ષની અંદર તલવિંદરને મુક્ત કરવામાં આવ્યો અને કેનેડા પાછો ફર્યો.
ખાલિસ્તાનીઓને આશરો આપવાની કિંમત, કેનેડાના નાગરિકોએ ચૂકવી..
જૂન 1984માં ભારતીય સેનાએ સુવર્ણ મંદિરમાંથી ખાલિસ્તાની આતંકવાદીઓને બહાર કાઢવા માટે ઓપરેશન બ્લૂ સ્ટાર શરૂ કર્યુ. આ પછી એનઆરઆઈમાં ખાલિસ્તાન ચળવળને વેગ મળ્યો.
1984નાં ઉનાળામાં કેનેડાના કેલગરીમાં ગુરુદ્વારા ખાતે 20 કેનેડિયન શીખો ભેગા થાય છે. આ દરમિયાન બબ્બર ખાલસાનાં ટોચના આંતકવાદી તલવિંદરસિંહ પરમારે ભારત વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં એર-ઈન્ડિયાનાં વિમાનો આકાશમાંથી પડી જશે.
પરમારનાં ભાષણના બરાબર એક વર્ષ પછી જૂન 1985માં એર ઈન્ડિયાનાં કનિષ્ક વિમાને મોન્ટ્રિયલ, કેનેડાથી ઉડાન ભરી હતી. એ લંડન થઈને બોમ્બે જવાનું હતું. રસ્તામાં આયર્લેન્ડનાં દરિયાકાંઠે વિમાનમાં વિસ્ફોટ થયો. કુલ 329 લોકોનાં મોત થયાં હતાં. જેમાં 270 કેનેડિયન નાગરિકો પણ સામેલ હતા.
તપાસમાં જાણવા મળ્યું કે તેનો માસ્ટરમાઈન્ડ બબ્બર ખાલસા ચીફ તલવિંદરસિંહ પરમાર હતો.
કેનેડિયન પત્રકાર ટેરી મિલેવસ્કી આ ઘટના પર લખે છે..
“કેનેડાને ભારતની પ્રત્યાર્પણની વિંનતીને ફગાવીને કંઈ મળ્યું નથી, પરંતુ માત્ર નુકસાન જ થયુ છે. જે આંતકવાદીઓનું પ્રત્યાર્પણ તેણે નકાર્યું હતું, તે તલવિંદરસિંહે 1985માં એર ઈન્ડિયાનાં કનિષ્ક વિમાનને ટાઈમ બોમ્બથી ઉડાવી દીધું હતુ. વિમાનમાં સવાર તમામ 329 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાં ભાગે કેનેડાના નાગરિકોનો સમાવેશ થતો હતો.”
તલવિંદરને ભારતને પ્રત્યાર્પણ ન કરવા બદલ કેનેડામાં પિયર ટ્રુડોની ઘણી ટીકા થઈ હતી. તલવિંદરને કેનેડિયન પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો, પરંતુ થોડા દિવસોમાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આ પછી તે પાકિસ્તાન ગયો હતો. આ નિર્ણયથી કેનેડામાં ખાલિસ્તાનીઓનું મનોબળ વધ્યું. તેમને લાગવા માંડ્યુ કે હવે તેને કોઈ હાથ પણ નહીં લગાડી શકે.
ભારતમાં ઠંડું પડ્યું ખાલી સ્થાને આંદોલન, કેનેડા સળગતું રહ્યું.
90 ના દાયકા સુધીમાં ભારતમાં અલગતાવાદની ચળવળ ઠંડી પડી ગઈ હતી જોકે કેનેડામાં ખાલિસ્તાની આંતકવાદીઓ સતત વધતા રહ્યા. કેનેડાના ટોરેન્ટોમાં સાંજ સંવેરા નામનું પંજાબી ભાષામાં સાપ્તાહિક મેગેઝીન પ્રકાશિત થયું હતું. ઓક્ટોબર 2002માં આ મેગેઝીનના ફ્રન્ટ પેજ પર એક તસવીર છપાઈ જેમાં ઇન્દિરા ગાંધીની હત્યા થતી બતાવવામાં આવી હતી. નીચે લખ્યું હતું. – “પાપીઓની હત્યા કરનાર શહીદોને સલામ.”
એક મિત્ર રાષ્ટ્રની પ્રધાનમંત્રીની હત્યાનું મહિમામંડન કરનાર મેગેઝીનને ચેતવણી આપવાને બદલે, કેનેડાની સરકારે પછીના વર્ષોમાં સાંજ સંવેરાને સરકારી જાહેરાતો આપવાનું શરૂ કર્યું. સાંજ સવેરા વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન એટલે કે WSO નામના સંગઠનથી હતું. WAO પોતાના સમગ્ર વિશ્વમાં શીખોનું નેતા માને છે, તેનું હેડ ક્વાર્ટર કેનેડામાં છે.
વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન વર્ષ 2007 સુધી તેની વેબસાઈટ પર લખતું હતું કે તેની સ્થાપના અમેરિકાના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં થઈ હતી. આ દરમિયાન ખાલિસ્તાની નેતા અજૈબસિંહ બાગરીએ પોતાના ભાષણમાં કહ્યું હતું- “જ્યાં સુધી અમે 50,000 હિન્દુઓને મારી નહીં લઈએ ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં.”
અજૈબસિંહ બાગરી કનિષ્ક બોમ્બ કેસના આરોપીઓમાનો એક હતો. પરંતુ તેને સજા થઈ નહોતી વાસ્તવમાં કેનેડા સરકારે કનિષ્ક કેસમાં ઢીલાશ રાખી હતી. વર્ષ 2000માં પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. કેસ દરમિયાન એક સાક્ષીની હત્યા કરવામાં આવી હતી, જ્યારે બીજા સાક્ષીને સુરક્ષા હેઠળ મોકલવામાં આવ્યો હતો.
આખરે બંને શખ્સને છોડી મૂકવામાં આવ્યા હતા. માત્ર બોમ્બ નિર્માતા ઇન્દ્રજીતસિંહ રૈયાતને 5 વર્ષની સજા થઈ હતી. વર્ષ 2011માં રૈયાતને કોર્ટમાં ખોટું બોલવા બદલ વધુ 9 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર ઉમ્મુ સલમા બાવા કહે છે કે 1990 માં નેતૃત્વની સ્પર્ધા દરમિયાન લિબરલ પાર્ટીના નેતાઓને વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનું સમર્થન મળ્યું હતું. આવી સ્થિતિમાં કેનેડાના રાજકારણીઓ શીખ ડાયસ્પોરાની હિમાયત કરતા જોવા એ નવી વાત નથી.
મનમોહનસિંહ અને હાર્પરનાં કાર્યકાળમાં ભારત અને કેનેડાના સંબંધો સુધર્યા.
વર્ષ 2006માં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા સ્ટીફન હાર્પર કેનેડાના વડાપ્રધાન બન્યા આ સમયગાળા દરમિયાન મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન બન્યા હતા. આ સમયગાળા દરમિયાન ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધારવા લાગે જોકે વર્ષ 2007માં એક ઘટના બનવાના કારણે આ સંબંધ લાંબા સમય સુધી પાટા પર રહી શક્યા નહીં.
કેનેડાના પ્રાંત બ્રિટિશ કોલમ્બિયાના સરે શહેરમાં આવેલ દશમેશ ગુરુદ્વારાથી વૈશાખીના દિવસે પરેડ કાઢવામાં આવી હતી. રેલીમાં કેનેડાના પીએમ સ્ટીફન હાર્પરના પ્રતિનિધિઓ અને વિરોધ પક્ષના પ્રતિનિધિઓ પણ હાજર હતા આ રેલીમાં બ્રિટિશ કોલમ્બિયા સરકારના નેતાઓ પણ પહોંચ્યા હતા. એ દિવસે કેનેડામાં એક એવો નજારો જોવા મળ્યો જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નહોતો.
329 લોકોની હત્યા માટે જવાબદાર તલવિંદરસિંહ પરમારના હારમાળાથી ભરેલા ફોટોગ્રાફ લહેરાવવામાં આવી રહ્યા હતા. પરમારના બે પુત્ર અને બે અગ્રણી ખાલિસ્તાની નેતાઓ કેનેડિયન નેતાઓ સાથે સ્ટેજ પર ઊભા હતા. રેલી બાદ જ્યારે તેમને આ સંબંધમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કોઈએ ખાલિસ્તાન કે કનિષ્ક હુમલા અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ટેરી મિલેસ્કી લખે છે કે કેનેડાના રાજકીય પક્ષો પર ખાલિસ્તાની સંગઠનોનો પ્રભાવ એ દિવસથી સ્પષ્ટપણે દેખાય આવ્યો હતો એ આગળ વધતો રહ્યો. “કેનેડાની લિબરલ પાર્ટી હોય કે કન્ઝર્વૅટિવ પાર્ટી, ખાલિસ્તાની સંગઠનોને કોઈએ ટાળ્યું નથી. એનું મુખ્ય કારણ શીખ વોટબેંક હતી.”
2010માં ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ જી 20 સમિટ માં ભાગ લેવા કેનેડા ગયા હતા. આ સમયગાળા દરમિયાન ભારત અને કેનેડા વચ્ચે નાગરિક પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક મુખ્ય સીમાચિન્હ રૂપ હતું.
આ દરમિયાન પીએમ મનમોહનસિંહે પણ જોરદાર ભાષણમાં ખાલિસ્તાન પર કેનેડાને ઘેર્યું હતું તેમણે કહ્યું- “પંજાબમાં ખાલિસ્તાન આંદોલન ખતમ થઈ ગયું છે, પરંતુ ભારતની બહાર ખાસ કરીને કેનેડામાં એવા તત્વો છે કે પોતાના ફાયદા માટે આ આગને જીવંત રાખવા માંગે છે ઘણા કિસ્સામાં આ લોકો આંતકવાદીઓ સાથે સંબંધ ધરાવે છે.”
ટેરી મિલેસ્કી તેમના પુસ્તકોમાં લખે છે કે વિશ્વના સૌથી મોટા શીખ નેતા સરકારને ચેતવણી આપ્યા બાદ કેનેડા ગયા હતા. જોકે કેનેડિયન નેતાઓ ઉપર એની કોઈ અસર થઈ નથી.
સ્ટિફન હાર્પર 2006 થી 2015 સુધી કેનેડાના વડાપ્રધાન હતા અલગ અલગ ઘટનાઓને બાદ કરતાં ખાલિસ્તાની મુદ્દાએ બંને દેશોના સંબંધો પર બહુ અસર કરી નથી. આ સમયગાળા દરમિયાન કેનેડાથી ભારતની 19 ઉચ્ચ સ્તરીય મુલાકાતો થઈ હતી.
આ પછી 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની મુલાકાત લીધી હતી. અંતરીક્ષ, રેલવે, નાગરિક ઉડ્ડયન અને વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલી કેનેડિયન કંપની પાસેથી ભારતને 3000 ટન યુરેનિયમ સપ્લાય કરવા માટે બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો.
2015માં જસ્ટિન ટ્રુડો આવ્યા, ખાલિસ્તાનના કારણે સંબંધો બગડયા.
નવેમ્બર 2015માં લિબરલ પાર્ટીના નેતા જસ્ટિન ટ્રુડો ડો કેનેડાના પીએમ બન્યા. તેઓ 30 સભ્યોની કેબિનેટમાં 4 શીખને મંત્રી બનાવે છે તેમનો એવો પણ દાવો છે કે તેમના મંત્રાલયમાં મોદીનાં મંત્રાલય કરતા વધુ શીખો છે. જો કે આ શીખ મંત્રીઓમાં એવા ઘણા લોકો હતા જેઓ ખાલિસ્તાન સાથે જોડાયેલા હતા, જેના કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ફરી પાટા ઉપરથી ઉતારવા લાગ્યા.
2017માં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કેનેડાના સંરક્ષણમંત્રી હરજીતસિંહ સજ્જન પર અલગતાવાદીઓને મળવાનો આરોપ લગાવ્યો હતો. તેને મળવાની પણ ના પાડી. એક વર્ષ બાદ જસ્ટિન ટ્રુડો ભારતની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બદલે કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ટ્રુડોના ખાલિસ્તાન પ્રત્યેના પ્રેમની અસર આ મુલાકાત દરમિયાન સ્પષ્ટપણે જોવા મળી હતી.
આ સમય દરમિયાન ટ્રુડો દ્રારા ભારતને ઉશ્કેરવાનું વધુ એક કૃત્ય કરવામાં આવ્યું હતું. 1986 માં ભારતીય કેબિનેટ મંત્રીની હત્યાના પ્રયાસમાં દોષિત જસપાલ અટવાલને ટ્રૂડો સાથે ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતે વિરોધ કર્યા બાદ એને રદ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે જસ્ટિન ટ્રુડોએ એક સંસદ પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો.
કેનેડામાં ખાલિસ્તાનીઓના વર્ચસ્વની બીજી કહાની છે. કેનેડા સરકારે ડિસેમ્બર 2018માં આંતકવાદી હુમલાના ખતરા અંગેના તેમના વાર્ષિક અહેવાલમાં પ્રથમ વખત ખાલિસ્તાની આંતકવાદનો ઉલ્લેખ કર્યો હતો. અહેવાલ આવતાની સાથે જ પીએમ ટ્રુડો અને તેમની લિબરલ પાર્ટીને ધમકી મળી કે તેઓ વેનકુવરમાં યોજાનારી વાર્ષિક વૈશાખી રેલીમાં ભાગ લઈ શકશે નહીં.
એક વર્ષ પછી જ આ અહેવાલમાંથી ખાલિસ્તાન અને શીખ ઉગ્રવાદનો ઉલ્લેખ હટાવી નવેસરથી રજૂ કરવામાં આવ્યો, ત્યારબાદ જ ટ્રુડો વૈશાખી રેલીમાં હાજરી આપી શકે. આ નિર્ણયની એ સમયે પંજાબના સીએમ રહેલા અમરિન્દરસિંહે ટીકા કરી હતી. તેણે તેને 2018માં ટ્રુડોની મુલાકાત દરમિયાન ભારતમાં વોન્ટેડ હરદીપસિંહ નિજ્જર સહિત ઘણા આંતકવાદીઓની સૂચિ પણ આપી હતી.
18 સપ્ટેમ્બર 2022 ના રોજ શીખ ફોર જસ્ટિસના ખાલિસ્તાન તરફી જૂથ એટલે કે SFJ એ કેનેડાના ઓન્ટારિયોના બ્રેમ્પ્ટનમાં “ખાલિસ્તાન જનમત”નું આયોજન કર્યું. કેનેડિયન અધિકારીઓએ તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવી હતી આનો જવાબ આપતા ભારતીય વિદેશ મંત્રાલય કહ્યું હતું કે-
“ભારત સરકારને એ વાત પર વાંધો છે કે મિત્ર દેશમાં કોઈ કટરવાદી જૂથ રાજકીય રીતે પ્રેરિત ઘટનાને અંજામ આપી શકે છે ભારત સરકાર આ મામલે કેનેડા સરકાર સાથે વાત કરશે.”
2020 માં ભારતે ટ્રુડો પર ખેડૂતોના આંદોલન દરમિયાન ખાલિસ્તાનીઓને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રુડોએ ગુરુ નાનક દેવની જન્મજયંતી પર જાહેર કરેલા એક ઓનલાઇન સંદેશમાં કહ્યું કે જો તેઓ ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધને ધ્યાનમાં નહીં લે તો તે તેમની તરફથી બેદરકાર રહેશે.
ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રુડોના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે કેનેડાના વડાપ્રધાન નું નિવેદન બિનજરૂરી છે અને તે લોકશાહી દેશની આંતરિક બાબતોમાં દખલ સમાન છે.
4 જુનના રોજ ઓન્ટારિયોના બ્રેમ્પ્ટનમાં ખાલિસ્તાન અલગતાવાદીઓ દ્વારા આયોજિત રેલીમાં ઇન્દિરા ગાંધી અને તેમના હત્યારાઓની ઝાંખી કાઢવામાં આવી હતી આ અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રેસ કોન્ફરન્સમાં ચેતવણી આપી હતી કે કેનેડા શીખ અલગતાવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે જે બંને દેશો વચ્ચેના સંબંધો માટે સારું નથી.
તેમણે કહ્યું હતું કે એ સ્પષ્ટ છે કે કેનેડામાં ખાલિસ્તાનીઓની ગતિવિધિઓ વધી રહી છે, કારણ કે તેઓ વોટબેંકની રાજનીતિનો એક ભાગ છે. જયશંકર ચેતવણીના દસ દિવસ પછી નિજ્જરની બ્રિટિશ કોલમ્બિયામાં શીખ ગુરુદ્વારામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
2023 માં નવી દિલ્હીમાં જી 20 સમિટ દરમિયાન પીએમ મોદીએ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને અલગતાવાદી જૂથો દ્વારા ચાલી રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
નિજ્જરની હત્યાની તપાસ હજુ ચાલી જ રહી હતી ત્યારે 18 સપ્ટેમ્બરે જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું હતું કે આ હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણી અંગે અમારી પાસે વિશ્વાસનીય સૂચના છે. ભારતે તેને સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું.
ઓક્ટોબર 2024માં કેનેડાએ ફરી એકવાર ભારત પર સવાલ ઉઠાવ્યા હતા. ભારતે કેનેડામાંથી તેના 6 રાજદ્વારીઓ પાછા બોલાવ્યા અને ભારતમાં તૈનાત 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. આમ, ભારત અને કેનેડા વચ્ચેના પરસ્પર સંબંધો પાતાળમાં જઈ ચૂક્યા છે.